એક કચરો વીણનારા થી એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર બનવા સુધીની વિકી રોય ની સફરની રોમાંચક વાર્તા…

વિકી રોયનો જન્મ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં થયો. વિકીના પિતા દરજીકામ કરતા. તેની પાસે દુકાન ન હતી.એટલે તે અહીં તહીં બેસીને છૂટક દરજી કામ કરતા. રોજની 10-15 રૂપિયાની આવક માં નવ જણા નું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. તેનાપિતાનું સ્વપ્ન હતું કે તેમનું ઓછામાં ઓછું એક બાળક દસમા સુધી ભણે એટલે તેના પિતાએ તેને દાદા-દાદી પાસે ભણવા મોકલ્યો. વિકી એ ફિલ્મોમાં જોયું હતું કે જે લોકો શહેરોમાં જાય છે તે લોકો મોટા વ્યક્તિ બની જાય છે. તેથી તેણે પણ વિચાર્યું કે હું શહેર માં જઈને હું પણ હીરો કે ધનવાન વ્યક્તિ બનીશ.

11 વર્ષની ઉંમરે એક દિવસ તે તેના કાકાના ખિસ્સામાંથી પૈસા ચોરી ને દિલ્હી જતી ટ્રેન માં બેસી ગયો. જ્યારે તે નવી દિલ્હી પહોંચ્યો ત્યારે તેને સમજણ ન પડી કે શું કરવું .પ્લેટફોર્મ પર ઘણા લોકોને જોઈને તે ડરી ગયો અને રડવા લાગ્યો.

રેલ્વે સ્ટેશન પર કચરો વીણનારા બાળકોએ તેને જોયો અને તેની પાસે આવ્યા અને તેના વિશે પૂછ્યું. વિકી એ તેમને તેની વાર્તા કહી. તેઓએ તેને ફૂડ પેકેટ આપ્યા અને વિકીના મિત્રો બની ગયા. બે દિવસ પછી, તેણે પણ કચરો વીણવાનું કામ શરૂ કર્યું. લોકો પાણીની બોટલનો ઉપયોગ કર્યા પછી ટ્રેકએસ પર ફેંકી દેતા હોય છે. કચરો વીણનારા છોકરાઓ સાથે વિકી તેને એકઠી કરીને બોટલો સાફ કર્યા પછી તેને સ્વચ્છ ઠંડુ પાણીથી ભરી લેતો. બાદમાં તેને સામાન્ય ડબ્બામાં 5 રૂપિયામાં વેચતો.

પરંતુ વિકી એ જોયું કે પ્લેટફોર્મ પર ટકી રહેવું ખૂબ મુશ્કેલ હતું કારણ કે કેટલીકવાર પોલીસકર્મીઓ અને મુસાફરો તેમને સામાન ચોરી લીધો છે એમ માનીને મારતા. ઉપરાંત ઘણી વખત પ્લેટફોર્મ પર નાની લડાઈ-ઝગડા થતી તેમાં ચહેરા અથવા શરીરને નુકસાન પહોંચાડવા માટે લોકો બ્લેડનો ઉપયોગ કરતા. તેથી વિકીએ વિચાર્યું કે હું અહીં રહીશ તો મારા ચહેરા પર પણ નિશાન આવી જશે. તેથી તેણે પ્લેટફોર્મ છોડવાનું નક્કી કર્યું અને આજીવિકા માટે કંઈક બીજું કરવાનું વિચાર્યું.

નવી દિલ્હી સ્ટેશન નજીક અજમેરી ગેટ પર એક ધાબા પર વિકી ગયો અને કામ માંગ્યું. તેમણે તેને ડીશવોશર તરીકે રાખ્યો. થોડા દિવસો પછી એક માણસ ધાબા પર જમવા આવ્યો. વિકી એ તેને ભોજન પીરસ્યું. તે માણસે વિકી ને કહ્યું કે આવું કામ કરવાને બદલે તેણે ભણવું જોઈએ. તેણે ઢાબાના માલિક સાથે વાતચીત કરી અને વિકી ને ‘સલામ બાલક ટ્રસ્ટ’માં મોકલી દીધો. ટ્રસ્ટના શેલ્ટર હોમ માં જોડાયા બાદ વિકીનું જીવન બદલાઈ ગયું.
ત્યાં વિકી ને સારું ભોજન અને સારા કપડાં મળ્યા. ત્યાં મધ્યમ વર્ગને મળે તે તમામ પ્રકારની સુવિધાઓ હતી ઉપરાંત રમવા માટે ની સુવિધાઓ પણ હતી. ઉનાળાના વેકેશનમાં ટ્રસ્ટ તરફથી તેમને હિમાલયમાં લઈ જતા. દર છ મહિને તેમને પહેરવા માટે સારાં કપડાં મળતાં. વિકીએ શાળા માં જવાનું શરુ કર્યું.

આમ તેનું જીવન સાવ બદલાઈ ગયું પણ વિકી અભ્યાસમાં સામાન્ય હતો. તેને દસમા ધોરણમાં 48 ટકા મળ્યા. NGO શિક્ષકના કહેવાથી તેણે અભ્યાસનો ટ્રેક બદલ્યો અને વ્યાવસાયિક તાલીમ લેવાનું નક્કી કર્યું. ટીવી મિકેનિક્સ, સિલાઈ, રસોઈ , ફોટોગ્રાફી વગેરે જેવા થોડા વિકલ્પોમાં થી તેણે ફોટોગ્રાફી પસંદ કરી કારણ કે એને લાગ્યું કે તેને મુસાફરી કરવાનો મોકો મળશે. તેણે ત્યારે વિચાર્યું ન હતું કે તે એક ફોટોગ્રાફર બનશે. તેણે તો ફક્ત એક સારા આસિસ્ટન્ટ બનવાનું જ વિચાર્યું હતું

ફોટોગ્રાફીમાં તેની સફર વિશે: 20O5 માં વિકીને નિયમ મુજબ ‘સલામ બાલક ‘ શેલ્ટર હોમ છોડવું પડ્યું કારણ કે તે 18 વર્ષ નો થઈ ગયો હતો.
પરંતુ સલામ બાલક ટ્રસ્ટે દિલ્હીમાં તેના માટે નોકરી શોધી દીધી.

અનય માન નામના ફોટોગ્રાફરે તેને ફોટો આસિસ્ટન્ટ તરીકે નોકરી આપી. પગાર હતો દર મહિને 3000 રૂપિયા સાથે સેલ ફોન અને બાઇક.
વિકીને મન એ એક સરસ કામ હતું કારણ કે તેને માત્ર 8-10 દિવસ કામ કરવાનું હતું, બાકીના દિવસો તે ફ્રી રહેતો. તેણે ‘સલામ બાલક ટ્રસ્ટ ‘પાસેથી લોન લીધી અને કેમેરા ખરીદ્યો. 3000 રૂપિયાના પગારમાંથી દર મહિને તે 500 રૂપિયા ચૂકવીને લોનની રકમ પરત કરતો હતો.પણ તેને માટે તે મુશ્કેલ હતું. તેથી તે લગ્ન સમારોહમાં વેઈટર તરીકે કામ કરતો. તેમાંથી જે પણ પૈસા મળતા, તેમાંથી તે ફિલ્મી રોલ ખરીદતો અને ફોટોગ્રાફી કરતો. આ રીતે તેણે ફોટોગ્રાફી શરૂ કરી

તેની પ્રથમ સિદ્ધિ તેણે 2007માં ‘સ્ટ્રીટ ડ્રીમ્સ’ શીર્ષક સાથે ઈન્ડિયન હેબિટેટ સેન્ટર ખાતે તેનું પ્રથમ ફોટો પ્રદર્શન કરીને મેળવી. 2008માં, તેણે વર્લ્ડ વાઈડ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જ્યાં તે વિશ્વભરના ચાર ફોટોગ્રાફરોમાંથી એક હતો .
રોય છ મહિના માટે ન્યૂયોર્કમાં રહ્યો હતો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું શૂટિંગ કર્યું હતું. તેણે શ્રીલંકામાં એક આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.

“સલામ બાલક ટ્રસ્ટમાં ‘ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર યંગ પીપલ’ નામન એવોર્ડ પ્રોગ્રામ માં તેણે ગોલ્ડ મેડલ જીત્યો. તેમના દ્વારા, તેને બકિંગહામ પેલેસમાં પ્રિન્સ એડવર્ડ સાથે લંચ લેવા માટે લંડન બોલાવવામાં આવ્યો.
પછી તેણે દિલ્હીમાં ‘રંગ ઓપન’ લાઇબ્રેરી નામની લાઇબ્રેરી શરૂ કરી. નેશનલ જિયોગ્રાફિક ચેનલે પ્રથમ રિયાલિટી ફોટોગ્રાફી શોનું શ્રીલંકામાં આયોજન કર્યું અને તેમાં તે ટોચના ચારમાં હતો.

રોયે ફોટોગ્રાફી પર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા અને તેનું પ્રથમ પુસ્તક ‘હોમ સ્ટ્રીટ હોમ’ શીર્ષક સાથે પ્રગટ થયું. તે પુસ્તક પછી, તેને MIT મીડિયા લેબ તરફથી વધુ ફોટોગ્રાફી શીખવા માટે ફેલોશિપ મળી. વિકી રોયનું નામ ફોર્બ્સ ઈન્ડિયા 30 અંડર 30 અને વોગની 40 અંડર 40 યાદીમાં પણ આવ્યું.

રોયે હવે પોતાની ફોટોગ્રાફી દ્વારા સામાજિક કાર્ય શરૂ કર્યું છે. “સમાજે મને ઘણું આપ્યું છે અને હું મારી ફોટોગ્રાફી દ્વારા તેને પરત કરવાનો પ્રયાસ કરું છું. મધ્યપ્રદેશમાં જવાહર કેસલ નામનો સ્કેટ પાર્ક છે.

જેની શરૂઆત મારા જર્મન મિત્રે કરી હતી. તેઓએ મને કહ્યું કે બુંદેલખંડમાં એક વિસ્તાર છે જ્યાં પાણીની કટોકટી છે અને તેમને 8 લાખ રૂપિયાની જરૂર છે. મેં સૂચવ્યું કે તેઓ મારા ફોટોગ્રાફ્સ વેચી શકે છે. તે નાણાં દ્વારા, તેઓ એ એક ડીપ બોર અને ટાંકી અને સોલાર પેનલ સાથે જોડાયેલ મોટું પ્લેટફોર્મ સ્થાપિત કર્યું. હવે, પાણી 24 કલાક ઉપલબ્ધ છે,” વિકી રોયે કહ્યું.

“થોડા દિવસો પહેલા, મેં જામા મસ્જિદ પાસે એક મૂળ રાજસ્થાનના પરિવારની તસવીર ક્લિક કરી હતી. મેં તેને મારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મારા એક મિત્રએ મને ફોન કરીને કહ્યું કે તે આ પરિવારને મદદ કરવા માંગે છે.મારા મિત્રએ 50,000 રૂપિયા આપ્યા અને મેં 15,000 રૂપિયા ઉમેર્યા. તે પરિવાર પાછો રાજસ્થાન ગયો અને તે પૈસાથી કન્ફેક્શનરી ની દુકાન ખોલી,” તેણે કહ્યું.

વિકી રોયે જણાવ્યું હતું કે તે હાલમાં “એવરીવન ઇઝ ગુડ એટ સમથીંગ” નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે જે વિકલાંગ વ્યક્તિઓની વાર્તાઓ પ્રસિદ્ધ કરશે. આ પ્રોજેક્ટ માટે તેઓ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની યાત્રા કરી રહ્યો છે.

તેની સફર અને જીવન પ્રત્યેના તેમના અભિગમ વિશે પૂછવામાં આવતા, વિકી રોયે કહ્યું કે “મેં અગાઉ ઘણા પ્રસંગોએ કહ્યું છે કે સારો ફોટો અંધારા રૂમમાં જ તૈયાર થાય છે તેથી હું કહું છું કે જો કોઈના જીવનમાં અંધકાર આવી રહ્યો છે, તો ભગવાન તમારા માટે સારો ફોટો બનાવી રહ્યા છે. તેથી, તમારે રાહ જોવી પડશે અને કામ કરવું પડશે અને આપોઆપ સારી વસ્તુઓ તમારી પાસે આવશે.

રોય કહે છે.: “સખત મહેનત કરો, આગળ વધતા રહો અને ભલે તમે ભૂલો કરો. ભૂલો થી તમે શીખવાનું મળશે અને યાદ રાખજો કે વિકાસ માટે હંમેશા જગ્યા છે જ. પરંતુ સૌથી અગત્યનું: જમીન પર રહો. મુશ્કેલીઓ હશે અને સફળતા પણ મળશે પણ જમીન પર રહેવાથી હંમેશા તમારું ભલું થશે.” Story Credit : ANI News

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *